Last modified on 14 अगस्त 2023, at 11:41

દીવાલ અને તિરાડ / વસંત જોષી

1
દીવાલમાં તિરાડ હોય છે.
તિરાડમાં દીવાલ ન હોય
દીવાલ તો દીવાલ જ હોય
તિરાડ તો તિરાડ જ હોય
દીવાલમાં તિરાડ પડે
પછી ધીમે ધીમે વિસ્તરે, મોટી થતી જાય
દીવાલ મોટી ચણો તો તિરાડો મોટી થાય
નાની દીવાલમાં નાની નાની પણ હોય ખરી
જેમ દીવાલ વધે તેમ તેમ તિરાડો વધે
સમાંતરે વધ્યા જ કરે જાણે કે
એકમેકની હરીફાઈ કરતાં હોય
દીવાલો દીવાલો દીવાલો
તિરાડો તિરાડો તિરાડો
કોઈક ક્ષણે એક-બીજામાં ઓગળી જાય
દીવાલ અને તિરાડ
 
2
દીવાલના એક ખૂણે ડોકિયું કરે કૂંપળ
તિરાડ હસી પડે
દીવાલ થથરી જાય
કૂંપળ વધતી જાય
લટકતી કૂંપળ જોયા કરે
તિરાડ.
 
3
ગાર લીંપેલી દીવાલ
થોડી ખરબચડી લાગે,
પણ ઊભી હોય અડીખમ.
સવાર-સાંજ
ટાઢ-તડકો-વરસાદ-વંટોળ
અમાસની અંધારી રાતે
પૂનમની ચાંદનીમાં
ખરબચડી ધોળેલી દીવાલ
ગાર-માટીના લીંપણ પર
હાથ ફેરવતાં તાજો જ સ્પર્શ અનુભવાય
પણ હવે તો મા નથી
દીવાલ છે.
 
4
આપણા ઘરની હોય કે ચીનની
દીવાલ ઊભી હોય છે ઇતિહાસ સંગોપીને
એમ આપોઆપ તૂટતી નથી
દીવાલની પડછે ઊછરતી રહે પેઢીઓ
દરેક પેઢીએ નવી નવી ચણાતી
રહેતી હોય છે દીવાલો
અને પડતી રહેતી હોય છે તિરાડો
દીવાલમાં.
 
5
 ક્યારેક તો હચમચાવી મૂકે દીવાલને
આ તિરાડો.
જમીનના મૂળમાં લગાડી દે છે લૂણો
જમીનમાં ઊભેલી જમીન સાથે જ
જમીનદોસ્ત થઇ જાય છે દીવાલો
પછી નથી રહેતી દીવાલ કે તિરાડ
એકમેકમાં એકરૂપ
તિરાડમય દીવાલ
દીવાલમય તિરાડ
કેવળ રહી જાય છે
કેટલાંક ભગ્ન અંશો
દીવાલના.