भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

પરી / એષા દાદાવાળા

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

તમે એ પરીઓને જોઈ છે ?
જે વર્ષો પહેલાં રોજ રાત્રે બાની વાર્તાઓમાંથી
સીધી સપનાંમાં ઘૂસી જતી’તી
અને એની પાંખો પર બેસાડી
કેવું બધે ફેરવી લાવતી’તી ?
એ તમને ક્યાંય પણ મળે તો એને પૂછી જો જો
કે બે-ચાર રાતો માટે મારાં સપનાંમાં
આવવાનું એને ફાવશે ?
તૂટી ગયેલાં સપનાંઓનાં ઘણાં બધાં સ્ક્રેચીસ
આંખોમાં રહી ગયાં છે.
એ બધાં જ ગમે ત્યારે આંખોમાં ભોંકાયાં કરે છે
અને એવી વેદનાઓ થાય છે કે
ચીસ પણ પાડી શકાતી નથી !
એને કહેજો કે
સપનાંઓમાં આવીને મારી આંખોને
બીજાં થોડાંઘણાં સપનાંઓ માટે તરોતાજાં કરી જાય.
પણ એ પહેલાં તમે ચકાસી લેજો કે,
રાત્રે સપનામાં આવીને સવારના પહોરમાં
આંખોને પહેલાંની જેમ જ
તાજીમાજી કરી જવાનું
એને હજી આવડે તો છે ને ?