શ્થુળદોષ અંગ / અખો ભગત
દોષ ન જોઇશ કેના ભૂર, તો હરિ દેખીશ બૌ ભરપૂર;
મેલી આંખે ક્યમ દીસે વસ્ત, જેણે જોયાં આમિષ ને અસ્ત;
અખા તો જ દીસે આતમા, જો નાવે રસના તાસમાં
પુરુષાકાર પૂરણબ્રહ્મ, જેણે સમજ્યો મુળગો મર્મ;
કર્મવાક્ય જીવબુદ્ધિ ગાય, સ્વયં વિના સિદ્ધાંત ન થાય;
નિજનું જ્ઞાન નિજરૂપે હોય, પાલો અખા જેમ થાયે તોય.
અણલિંગી હરિજનની કળા, કર્મ ન બાંધે આઘી બલા;
અહંતાપોત વિના નોહે ભાત્ય, દિવસ વિના તે શેની રાત;
લૌકિક લેખું રહે લોકમાં, અખા જીત નહિ ફોકફોકમાં.
હરિજન સ્વેં હરિ નહિ માનવી, જેમ સરિતામાં ભળી જાહ્નવી;
તેની નિંદા કરતાં ક્રૂર, નિજ આતમથી પડશે દૂર;
હરિજન સર્વાંગે હરિવડે, અખા વેલો તાણ્યો આવે થડે.
પૂરણતામાં સર્વે સમાય, નદીવડે સાગર ન ભરાય;
જેમ દાવાનળ બાળે સર્વ, તેમ જ્ઞાનદોષ દહે સર્વ;
દેહવિકાર હરિજનને કશા, અખા જેહની મોટી દશા.
રૂડું જાણી નથી રાખવા, કૂડું જાણી નથી તાગવા;
તન તપાસી તુજને શોધ્ય, બાહ્ય ઉપચાર મુકી બુધ્ય બોધ્ય;
તજ્યા ભજ્યા વણ તે યોગેશ, અખા જો માને ઉપદેશ.
તજતાં ભજતાં નહિ પૂરવે, જૂનું તજે મન લાગે નવે;
જ્યાં જેવો જીવ કાઢે વેશ, તે સાથે મન કરે પ્રવેશ;
મનની રીત જે ગુંથે જાળ, કાઢ અખા આતમની ભાળ્ય.
હરિ જાણેને સુવે નચંત્ય, સુલભ મારગ સમજ્યા સંત;
સનકાદિકે ન ભજ્યો પ્રપંચ, જનકાદિકે ન તજ્યો રંચ;
તજવું ભજવું તે સંસાર, અખા સમજતાં આવે પાર.
સર્વાતીત શ્રુતિ કેતા હવા, માયારંગ બિજા નવનવા;
મનને જોડ માયાશું ઘણો, કરે ઉપાય તે ભજવા તણો;
વસ્તુવિષે છે મનનો અંત, તેહ અખા લે વિરલા સંત.
હું નહીં તું નહીં તે ન કેવાય, જે જોતાં જોનારો જાય;
ત્રણ પ્રકાર વિના જેમતેમ, તેથી હેઠો મનનો વેમ;
નહીં પદાર્થ જોવા ઝાલવા, અખા સરખું છે નૈં પ્રીછવા.
વસ્તુ અનુપમ છે તે માંય, તો તે કૈયેં કેમ ઉપાય;
ઉપમા સર્વ છે માયા વડે, તે તો કૈવલ્ય નૈં અડે;
અખા વસ્તુ ગુંગાનો ગોળ, ત્યાં ઉપમા તે માયાની ટોળ.
સગુણને ઉપમા સર્વે ઘટે, જે ઉપમા ને ગુણ બંને વટે;
જ્યાં થાવા ને જાવા નથી, ત્યાં વાણી શું કાઢે કથી;
અખા તે વડે સર્વ જાણ, તો તેને કથી શકે ક્યમ વાણ્ય.