भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

અતિજ્ઞાન / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ઉદ્દગ્રીવ દષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે;
જામી ગઈ તરત ઘોર, કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહિ વાત.

ઈંદ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

દુર્યોધન પ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક;
જતો હતો અંધ થતી નિશામાં
સુગુપ્ત રાજગૃહની દિશામાં !

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !

નિગૂઢ શંકા પૂરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા !
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

હા કહીને રજા આપી યશસ્વી જયેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

શિશુ સમાન ગણી સહદેવને,
ખબર આ કંઈએ ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુઃખિત અંતરમાં થતા !

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતોઃ
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો !

ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારનેઃ
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય !

જાણે બધું, તથાપિ કૈં કહેવાની રજા નહિં.
શમાવી ન શકે તેથી મુંઝાય મન મહીં.

નહીં શકું હાય ! બચાવી કોઈને,
અશક્ત જેવો રહું બેસી રોઇને;
ખરે ! દીસે દુઃખદ શાપ આ મને,
નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને !

"હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું !"

વિચારતાં નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઈ જઈને પ્રિય વક્ષની સમી,
ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી !

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથીઃ
"પ્રિયે ! સ્પર્શ કરું શું હું ? અધિકાર જરા નથી !"

"કરાય શું નિષ્ફલ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથાઃ
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું,
અનેક હું એકલડો સહ્યા કરું !

રજની મહિં સખી ઘણીક વેળા,
નયન મળે નહિં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાલી !"

"આવું કહ્યું, ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહિં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું, હવે એક જ છે ઉપાય !"

ચાલી જરા ને ગ્રહી એક સીસી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી;
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી,
ગયો બધો એ બદલાઈ આથી !

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !