भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

આહમાંથી અવતરેલી હોય છે / રાકેશ હાંસલિયા

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આહમાંથી અવતરેલી હોય છે,
એ ગઝલ અભરે ભરેલી હોય છે.

બાળકોની આંખ વાંચે કડકડાટ,
‘મા’ ભલે થોડું ભણેલી હોય છે.
ઠાઠથી દાખલ થતી કીડી બધી,
જાણે દર એની હવેલી હોય છે !

ક્યાંક એમાં સાર સઘળો હો નિહિત,
જે કડીને અવગણેલી હોય છે.

સ્વાદને આવ્યા વિના છૂટકો નથી,
રોટલી ‘મા’ એ વણેલી હોય છે.

શ્વાસની મૂડી ખરચતાં એમ સૌ,
જાણે રસ્તામાં મળેલી હોય છે.

ઝૂલવાની આપણી દાનત નથી,
કેટલી ડાળો નમેલી હોય છે.