भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
એક ડાયસ્પોરા કવિતા / ભરત ત્રિવેદી
Kavita Kosh से
સામે પ્લેટ પર છે
એક મહાકાય પિઝા
આછા અજવાસમાં
અચાનક તે થઈ જાય છે - ગાયબ
સામે છે કાંસાની થાળી
થાળીમાં છે
ગરમાગરમ રોટલો, કાંદો, ચપટીક મીઠું,
ગોળનો ગાંગડો ને પોપટની પાંખની
યાદ અપાવે એવું લીલું મરચું
કોલ્ડડ્રિંકમાં શું જોઇએ શેઠિયા ?
બોલાઈ જવાય છે :
ઠંડી છાસથી છલકાતો ગ્લાસ, ભાઇલા!