भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ક્યારેક તો થાતું કે... / જિગર જોષી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ક્યારેક તો થાતું કે રાતના કલરને હું બ્લેકમાંથી બ્લ્યુ કરી નાખું
બીક પછી લાગે નહિ ; ચોટલીથી પકડીને રાતને હું ખિસ્સામાં રાખું

રાત એ તો આકાશની ફાટેલી ચાદર જ્યાં તારાઓ હાઉકલી કરતાં
દાંત હશે કાઢતા એ જોક્સ કોઇ સાંભળીને – આપણને લાગે ટમટમતાં
ભાઇબંધને સાથ લઈ વાદળની ટ્રેન લઈ ઘૂમવું છે આભ આખેઆખું

ક્યારેક તો થાતું કે રાતના કલરને હું બ્લેકમાંથી બ્લ્યુ કરી નાખું
બીક પછી લાગે નહિ ; ચોટલીથી પકડીને રાતને હું ખિસ્સામાં રાખું

ચાંદો એ સાચુકલો ચાંદો નથી રે કાંઇ એ તો છે નાઇટલેમ્પ રાતનો
રાતને’ય અંધારાની બીક તો લાગે જ છે – પૂરાવો મળી ગ્યો આ વાતનો
સૂરજને આવવાનો થૈ ગ્યો છે ટાઇમ હવે અંધારું લાગે છે ઝાંખુ

ક્યારેક તો થાતું કે રાતના કલરને હું બ્લેકમાંથી બ્લ્યુ કરી નાખું
બીક પછી લાગે નહિ ; ચોટલીથી પકડીને રાતને હું ખિસ્સામાં રાખું