भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ગઝલ ઘડું છું / લલિત ત્રિવેદી
Kavita Kosh से
કળીઓ સરખી અચરજમાંથી ગઝલ ઘડું છું ...,
ઊડતા પંખીની રજમાંથી ગઝલ ઘડું છું ...
કાં તો બળશે પોત અગર તો ઝગશે જ્યોત,
ધીરા ! ધખતી ધીરજમાંથી ગઝલ ઘડું છું ...
પોતીકું વેરાન અને ઈમાન લઈને ,
ભીતર બેઠાં પૂર્વજમાંથી ગઝલ ઘડું છું ...
રાસ રમંતાં રજરજ એમાં ભળી ગઈ છે ,
હે કરસન ! હું એ વ્રજમાંથી ગઝલ ઘડું છું ...
જે કાગજથી સીવ્યું પહેરણ મિર્ઝાજીએ ,
પંડિતજી !એ કાગજમાંથી ગઝલ ઘડું છું...
ફાટેલા નભ માટે થીગડાં ઘડવાનાં છે ,
દરજી ! લેખણની ગજમાંથી ગઝલ ઘડું છું ...
ઢોલક ને મંજીરાંની જ્યાં ઠાકમઠોરું,
એ રાત્રિના ગુંબજમાંથી ગઝલ ઘડું છું...
કાગળિયાની નાતને જમવા તેડી છે ,
ગાલિબ !તારાં કારજમાંથી ગઝલ ઘડું છું...