भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ગાંધીજી-સાબરમતી આશ્રમે / નટવર ગાંધી
Kavita Kosh से
(પૃથ્વી)
અહીં નથી જ રાજમંદિર, ન મ્હેલ, મ્હેલાત ના,
ન દુર્ગ, નથી હર્મ્ય કો, નથી વિશિષ્ટ સ્થાપત્ય વા,
ન હસ્તિગૃહ, શસ્ત્રસંગ્રહ ન, અશ્વશાળા નથી,
કુટીર દસબાર માત્ર બસ જોઉં આ આશ્રમે.
અહીં જ કસી કાછડી, કમર હાથ લઈ લાકડી,
કપાળ કરી ચાંદલો, હરિનું નામ હોઠે ધરી,
અમોઘ સત શસ્ત્ર સજ્જ, જૂજ સાથી સંગે તમે,
અહીં જ જગ રાજ્યની સહુ સમર્થ અક્ષૌહિણી,
બુલંદ પડકારી’તી : કરવું હોય તે લ્યો કરી!
નથી જ નથી આવવું, મરીશ કાગડા, કુતરા
સમાન પણ ના જ ના પગ મુકીશ આ આશ્રમે!
અહીં જ અહીંથી શરૂ થયું મહાન પ્રસ્થાન જે,
વિશાળ પ્રસર્યું પછી ઉર ઉરે દૂરે ચોદિશે!