भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ગાઓ મંગલ ગીત / પિનાકિન ઠાકોર
Kavita Kosh से
ગાઓ મંગલ ગીત સજન હો !
સૂર સરસ આ સાજ સુમધુરાં,
કંઠ વહાવો પ્રીત સજન હો ! ગાઓ0
આજ સ્હવારો કેશર વરણી,
અરુણ ઉષા બેલડીએ !
સાંજ ખુલે સોના ફૂલ ઝરણી,
રાતો શત રસ ઝડીએ :
સકલ સમય હો ઈન્દ્રધનુ સમો,
ક્ષણ ક્ષણ રસ રંગીત સજન હો. ગાઓ0
ફૂલ ફૂલ ફાગણ અનુરાગી,
કળી કળીએ માઘ;
પલ્લવ પલ્લવ શરદ સુહાગી,
વને વને આષાઢ
ઋતુએ ઋતુએ રાગ હ્રદયના
મધુગંધે મુખરિત સજન હો. ગાઓ0
મ્હાલો આજ મળ્યો મોંઘેરો,
અવસર આ અણમૂલો;
નાચો કુમ કુમ પથ પથ વેરો,
હરખ હિલોળે ઝૂલો :
આભ ધરાને ભરી દો પાગલ
હ્રદય ભર્યે સંગીત સજન હો. ગાઓ0