Last modified on 5 जुलाई 2016, at 20:34

ગામ આખાનો તું કાજી થાય છે / રાકેશ હાંસલિયા

ગામ આખાનો તું કાજી થાય છે,
બોલ, તુજથી કોઈ રાજી થાય છે ?

આંગણે આવીને ચકલી ગાય છે,
દીકરીની યાદ તાજી થાય છે !

એમ તારી પણ નીલામી સંભવે,
જેમ ફૂલોની હરાજી થાય છે.

થાય છે હારી જવાનું મન ફરી,
એના હાથે આજ બાજી થાય છે.

સાદ સહુ સૂણે છતાં દોડે નહીં,
આમ અહિયા ભીડ ઝાઝી થાય છે.

આજ ચૂલાને સળગતો જોઈને,
તાવડી પણ કેવી રાજી થાય છે !

શું કરું ‘રાકેશ’ હું રોકાઈને ?
આ સભામાં ‘હા-જી, હા-જી’ થાય છે.