भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ઘેરૈયા / પ્રહલાદ જેઠાલાલ પારેખ
Kavita Kosh से
અમે તો ઘેરૈયા : ગગન મહીં જે રંગ ઉડતા,
અને જે રંગો અવનિપટ રંગીન કરતાં,
અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને
અમે યે રંગાઈ અવનિનભ જેવા બના જતા.
મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.
અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતા:
ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં;
અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં;
વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા.
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
કહીં ઘેરૈયો એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ?