Last modified on 5 जुलाई 2016, at 20:32

ચોતરફ છે ઉઘાડ, જોઈ લે / રાકેશ હાંસલિયા

ચોતરફ છે ઉઘાડ, જોઈ લે,
નભનાં ખુલ્લાં કમાડ જોઈ લે.

ભીંત પાડે છે રાડ જોઈ લે,
આ વકરતી તિરાડ જોઈ લે.

છાંયડો શોધવા ક્યાં ભટકે છે ?
તારી ભીતર છે ઝાડ, જોઈ લે !

કેવી બેઠી છે વાડના ખભ્ભે !
બાળ-વેલીના લાડ જોઈ લે.
નિત કરે છે અસીમનું અપમાન,
તેં બનાવેલ વાડ જોઈ લે.

આ જગતનું નિદાન રે’વા દે,
તું પ્રથમ તારી નાડ જોઈ લે.

કેવો સોપો પડી ગયો ‘રાકેશ’ !
મૃત્યુએ પાડી ધાડ જોઈ લે.