भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
જટાયુ - ૧ / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
Kavita Kosh से
નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક
વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક.
ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ
વનમાં લીલો અંધકાર, વનવાસી ખાંખાંખોળ.
શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં
વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.
દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ.
જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક :
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક.