भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ઝીણા ઝીણા મેહ / ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચૂંદડલી;
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચૂંદડલી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે;
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા:
હો! ભીંજે મ્હારી ચૂંદડલી.

વનમાં બપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહકે મયૂર કેરી વેણાં રે:
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મ્હારા નાથનાં નેણાં:
હો! ભીંજે મ્હારી ચૂંદડલી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછન્દા રે:
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા!
હો! ભીંજે મ્હારી ચૂંદડલી.