भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
તું મને મળતો નથી ને હું મળી શકતો નથી / જાતુષ જોશી
Kavita Kosh से
તું મને મળતો નથી ને હું મળી શકતો નથી,
આ સ્થિતિ છે આપણી એમાં ફરક પડતો નથી.
આપણાં સંબંધનો આ સૂર્ય આથમશે નહીં,
હા, પરંતુ આપણો આ સૂર્ય ઝળહળતો નથી.
તું સ્મરણના વાદળો તો મોકલાવે છે સદા,
પણ ખબર નહિ, કેમ તું ક્યારેય ઝરમરતો નથી.
એય સાચું કે ઘડીમાં હું તને પામી શકું,
એય સાચું કે મને એ ખ્યાલ પણ ગમતો નથી.
રાહ મારી જોઈને શબ્દોય પથ્થર થઈ જશે,
કે કદી આ જીવ શબ્દો જેમ ટળવળતો નથી.