ત્હારી છબિ નથી / નરસિંહરાવ દિવેટિયા
શિખરિણી
વસે જે'વી કાન્તિ તુજ મુખ વિશે એક સમયે
લઇ ત્હેવી ત્હેવી સ્થિર કરી મૂકે જેહ છબિ તે
નથી તો શું ઊણું? મુજ હૃદયમાં ત્હારી છબિ જે
છપાઈ ચ્હોટી તે સ્થિર રહી કહિં જાય ન બીજે. ૧
ધરું નૅનો સ્હામી જડ છબિ દીસે તે જ સમયે,
ખશેડી કે ન્હાસેઃ- પણ પડી અહિં જેહ હૃદયે,
અરે! તે તો કોદી નજર સમીપેથી નવ ખસે,
જ્ય્હાં જાઉં ત્યાહિં મુજ નયન આગે ઊભી હસે. ૨
કદી કાળે પેલી જડ છબિ વિનાશે પડી જશે,
અને આ તો મ્હારે હૃદય જડી તે ત્ય્હાં જ જડી તે;
છબિ કો'ને કાજે? મુજ અરથ જો તેહ ઘડવી;
વૃથા એ તો વેઠ્યો,-મુજ હૃદયમાં તે નવનવી; ૩
ભર્યાં શીળે તેજે નયન હરણાશાં ચપળ આ
ઠરે મ્હારાં નૅન પળ વળી પળે ભૂતિસરસાં;
કદી ગાલે મીઠી સ્મિતસખી રમે ગોળ લહરી,
જ્ય્હાં નાચે પેલો મદનનટ હોંસે ફરી ફરી, ૪
કહો એ તે ક્ય્હાંથી છબિ જડ મુને દાખવી સકે?
ભલે ત્ય્હારે આ તો હૃદય જડી ત્ય્હાં જ જડી ર્હે;
અને આ હેંડે તો છબિ નવનવાં રૂપ ધરતી,
ફરે સન્ધ્યા અભ્રે વરણ જ્યમ તે તેમ ફરતી;- ૫
કદી તેજીલાં એ નયન મહિં આનન્દ ઊછળે,
કદી શોકે ઘેર્યાં તદ્દપિ મીઠડાં મન્દ પડી ર્હે,
કદી પ્રેમીલાં એ, પ્રીતિઝરણ તે માંહિં ઊભરે,
કદી રીસાએલાં અધિક ધરી શોભા મન હરે; ૬
બધી હેવી મૂર્તિ વિધવિધ ધરે રૂપ રસીલાં,
પૂર્યો જે'માં ર્હેતો અખૂટ મધુરો પ્રેમ જ સદા,-
બધાં એ તો રૂપો મુજ હૃદયમાંની છબિ ધરે,
કહો એ તો ક્ય્હાંથી જડ છબિ મુને દાખવી સકે? ૭