भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ધરપત નથી ને / યામિની વ્યાસ
Kavita Kosh से
તમારી એ આંખોની હરકત નથી ને?
ફરી આ નવી કોઇ આફત નથી ને?
વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને?
વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને?
નજરને મળો છો તમે સ્મિત કરતા,
અમારા એ સપનાની બરકત નથી ને?
તમારા તમારા તમારા અમે તો...
કહ્યું તો ખરું તોય ધરપત નથી ને?