भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું / ગંગાસતી
Kavita Kosh से
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
ને રાખવો વચનનો વિશ્વાસ રે
સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં
ને થઈને રહેવું એના દાસ રે ... નવધા ભક્તિમાં
રંગ ને રૂપમાં રમવું નહીં
ને કરવો ભજનનો અભ્યાસ રે,
સતગુરુ સંગે નીર્મળ રહેવું
ને તજી દેવી ફળ કેરી આશ રે .... નવધા ભક્તિમાં
દાતા ને ભોક્તા હરિ એમ કહેવું
ને રાખવું નીર્મળ ધ્યાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવવું
ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ... નવધા ભક્તિમાં
અભ્યાસીને એવી રીતે રહેવું
ને જાણવો વચનનો મરમ રે
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
છોડી દેવાં અશુધ્ધ કરમ રે .. નવધા ભક્તિમાં