भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ફરી એક વાર / ભારતી રાણે
Kavita Kosh से
વરસો પછી
ફરી એક વાર
કાતિલ શિયાળાની ધુમ્મસી સાંજે
પ્રવેશું છું એ પુરાણા શહેરમાં.
સીમ તોડીને વિસ્તરી ગયેલા જૂના શહેરના નવા રસ્તાઓ
ખોલતા નથી, પરિચયનાં દ્વાર;
બદલાઈ ગયેલી બજારોની ઝાકઝમાળમાં
ખોળું છું, ખોવાયેલું એ દૃશ્ય.
સ્મૃતિઓને પડઘાવતી જર્જરિત ઇમારતો પાસેથી
દોડી જાઉં છું, રિક્ષાના ધડધડાટમાં.
રગોમાં વહેતી નદીના બદલાતા વહેણ સાથે.
જોતજોતામાં અજાણ્યું થઈ ગયેલું આ શહેર,
મસ્ત છે, પોતાના દરબારી મિજાજમાં.
એક સવાર, એક કોલાહલી સાંજ,
બસ, હવે તો એટલો જ મુકામ.
પોતપોતાના સૂર્યોદયમાં ઊગતાં શહેરો વચ્ચેથી
પસાર થઈ જાઉં છું,
વીતેલા કોઈ દિવસની જેમ !
ફરી એક વાર...