भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
બુદ્ધ / નટવર ગાંધી
Kavita Kosh से
					
										
					
					(શિખરિણી)
તમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની, 
હતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા, 
હતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,
અકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.
પીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં, 
લલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું ?
ત્યજી પત્ની સૂતી, વિત્ત ત્યજી ચાલી નીકળ્યા, 
તપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા !
કહ્યું : આ સંસારે દુઃખ જ દુઃખ સર્વત્ર દુઃખ છે,
અને જન્મે, જન્મે, ફરી ફરી વળી એ જ દુઃખ છે !
સમાધિ યોગેથી, શીલ ચરિત, તૃષ્ણા વિહીન થૈ, 
વિલોપી આત્માને, મૂકી મસીદ મંદિર, મસીહા, 
ક્રિયાકાંડો છોડી, નિજ ગુરુ થઈ, આત્મમતિનો
ધરી દીવો, લેવો પરમ પથ નિર્વાણ ગતિનો.
	
	