भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ભલે આકાશ છલકાતું અથાતો બ્રહ્મજિજ્ઞાસા / જાતુષ જોશી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ભલે આકાશ છલકાતું અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન ગાતું અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળઝળળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ પણ ત્યાં જ સંતાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં કેવળ તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.