મધ્યરાત્રીએ કોયલ / નરસિંહરાવ દિવેટિયા
શાન્ત આ રજની મહિં, મધુરો કહિં રવ આ-ટુહૂ -
પડિયો ઝીણો શ્રવણે અહિં, શું હું સ્વપ્નમાં સુખ આ લહું ?
મન્દ વાઈ સમીર આ દિશ જો વહે રવ એ ફરી
નહિ સ્વપ્ન, એ તો ગાન પેલી ગાય કૉયલ માધુરી. ૧
મધ્યરાત્રિ સમે ત્હને અલી કોકિલા ! શું આ ગમ્યું ?
હા, મેહુલો વરશી રહ્યો ત્હેણેથી તુજ મનડું ભમ્યું;
દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહિં તું રેલતી,
આ રમ્ય રાત્રિ મહિં અધિક આનન્દગાને ખેલતી. ૨
નીતરી રહી ધોળી વાદળી વ્યોમમાં પથરાઈ આ,
ને ચાંદની ઝીણી ફીકી વરશી રહી શી સહુ દિશા !
ગાન મીઠું અમીસમું, ત્હેણે ભર્યું તુજ કણ્ઠમાં,
આ શાંતિ અધિક વધારતું તે જાય ઊભરી રંગમાં. ૩
નગર બધું આ શાન્ત સૂતું, ચાંદની પણ અહિં સૂતી
ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી.
અનિલ ધીરે ભરે પગલાં પળે શાંતિ રખે સહુ,-
ત્યાં ઊછળતી આનંદરેલે, કોકિલા બોલે-ટુહૂ ! ૪
સૃષ્ટિ સઘળી શાન્ત રાખી, મુજને જ જગાડતો,
ટહુકો મીઠો તુજ પવનલહરી સંગ જે બહુ લાડતો.
ગાન તુજ સીંચે હ્રદયમાં મોહની કંઈ અવનવી,
ભૂલી ભાન,તજી રમ્ય શય્યા, હઇડું દોડે તવ ભણી. ૫
દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં,
આનન્દસિન્ધુતરઙ્ગમાં નાચંતું એ ઉછરંગમાં;-
હા ! વિરમી પણ ગયો ટહુકો, હ્રદય લલચાવે બહુ-
ફરી એક વેળા, એક વેળા, બોલ્ય, મીઠી ! ટુહૂ ! ટુહૂ ! ૬