Last modified on 14 अगस्त 2015, at 10:42

મને અજવાળાએ ઘેલુ લગાડ્યું છે / ગૌરાંગ ઠાકર

મને અજવાળાએ ઘેલુ લગાડ્યું છે,
મેં પડછાયો ગિરે મૂકવા વિચાર્યું છે.

જગત તો જોતજોતામાં વિખેરાયું,
મને કોઇ ભીતરથી મળવા આવ્યું છે.

તમે સામે નહીં સાથે ઉભા રહેજો,
મને મારી જ સામે કોઇ લાવ્યું છે.

કદર કેવી કરી તારી કૃપાની જો,
ઉતારા પર મેં પાકું ઘર ચણાવ્યું છે.

આ ખુદ ને બાદ કરવાથી મળ્યું ઝાઝું
મેં સરવાળો કરી મનને જણાવ્યું છે.

હવે અંધાર પણ ઝળહળ થવા લાગ્યો,
મને મેં કૈંક મારામાં બતાવ્યું છે.