મેં ઈચ્છ્યું હોત / લાભશંકર ઠાકર
મેં ઈચ્છ્યું હોત 
તો 
મારાં પડતર ખેતરોમાં 
પચીસ ભાષાઓનાં ડૂંડાં 
હવામાં લહેરાતાં હોત 
મેં ઇચ્છ્યું હોત 
તો 
પત્નીની નિર્દોષ આંખોને 
નંબરવાળી બનાવી શક્યો હોત 
અને તેમ છતાં પ્રબોધ,
ટીપુને આ વર્ષે બાલમંદિરમાં મૂકવાનો છે - 
મેં પાડેલા ચીલાઓ ભૂંસી શકાતા નથી. 
કેમ કે હવે ચીલા પાડવાની ક્રિયાથી 
હું ઓચાઈ ગયો છું. 
આ નિષ્ક્રિયતાથી પણ છળી મરાય છે.
આંખની બહાર તને ઊભેલો જોઉં છું 
ખેતરની વાડ પાસે. 
રાયપુરની હોટલમાં હું ગરમાગરમ ગાંઠિયા ખાઉં છું. 
અને તું જર્મન શબ્દોનાં બચૂકડાં બિલ્લીબચ્ચાંઓને 
ખોળામાં લઈને 
નેપોલીના પગથિયા પર 
નાગો થઈને બેઠો છે. 
પ્રબોધ મોં પર તું લાંબી મૂછો રખાવ 
એક મહિના સુધી માત્ર મૂળા ખા 
સરકસની કંપની ખોલ 
કે બોટ-કલબ રોડ પર 
સત્તર વરસ સુધી સાઈકલ ચલાવ્યા કર
હું તને મળી શકીશ નહીં. 
કેમ કે આપણે ભિન્ન નથી. 
અને તેમ છતાં પ્રબોધ 
ટીપુને આ વર્ષે બાલમંદિરમાં મૂકવાનો છે. 
કેમ કે હવે ચીલા પાડવાની ક્રિયાથી હું ઓચાઈ ગયો છું. 
અને 
આંખની અંદર તને ઊભેલો જોઉં છું.
	
	