Last modified on 21 जुलाई 2016, at 02:41

યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે / જાતુષ જોશી

યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.

કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.

આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.

આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફક્ત વિસ્તાર છે.

શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.