भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
રામની વાડીએ / નટવર કુબેરદાસ પંડ્યા
Kavita Kosh से
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી,
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી.
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી.
રામની વાડી ભોગવવી ભાઈ, હકનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી.