भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
વય વરસ સિત્તેરની બસ? / નટવર ગાંધી
Kavita Kosh से
(શિખરિણી)
કહો કોણે દીધી વય વરસ સિત્તેરની બસ ?
અને કોણે કીધું બસ પછી જવું છોડી જગ આ ?
નથી મારે જાવું, જીવવું હજી છે કૈંક વરસો !
હજી પાશેરાની પ્રથમ પુણી યે પૂરી થઈ ના.
હજી મારે બાકી ઘણું ઘણું રહ્યું કામ કરવું,
હજી ખુંદી છે ના ધરતી દૂરની, રમ્ય નગરો
હજી જોવા મારે, સરવર રૂડાં, ઊર્ધ્વ શિખરો,
હજી જોવા ચ્હેરા જગતભરના સ્મિત ઝરતા !
હજી મિત્રો સાથે કરવી ઘણી છે ગોષ્ઠી ગમતી,
હજી બાકી હૈયે વસતી રમણી કૈંક ચૂમવી,
હજી મારે બાકી પ્રણય કરવો છે જગતને,
છતાં જુઓ જુઓ શરીર અવળું આ ન સમજે,
વિના પૂછ્યે એ તો વગર શરમે ચાલ્યું ઉપડી,
નથી જાવું તો યે લઈ જતું મને સાથ ઘસડી.