भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

સમી સાંઝનું / લાભશંકર ઠાકર

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

સમી સાંઝનું ઘરડું પંખી
પાંખ પસારી
ઊડતું
એના પડછાયામાં
કલબલતું કલબલતું
હલબલ શ્હેર
શ્હેરની સીમ મહીં
ચૂપચાપ ઊભો ચોગરદમ
રોકી સીમ તણો વિસ્તાર
બંગલો
ઝાંખો પાંખો જીર્ણ બંગલો.
સમી સાંઝની જરઠ પાંખ અથડાતી
આંખો હવા મહીં ઘસડાતી
ઊભો વૃદ્ધ બંગલો
રુદ્ધ બધા રસ્તાઓ.
અતીતનો પણ કંટકછાયો પંથ
અતીતનો આ અંધકારમાં અંત.
અંતનું જરઠ સત્ય સળવળતું
મારી આંખોમાં
આંખોમાં ઊઘડે દ્વાર
કડડતાં.
અંધકારમાં અસ્થિનાં સૂકાં પોલાણો ચીખે
પ્રકાશને આ ચામાચીડિયાં પીંખે
ચીખે ચામાચીડિયાં
અવાવરું અંધાર મહીં જે
ઊંઘે માથે ચૂપચાપ
મૂંગાંમંતર થઈ
અધઃશાખ પર ચોંટ્યાં
તે આ
ચીખી ઊઠ્યાં
ગોળ ગોળ ચકરાતાં ચીખે
ગોળ ગોળ અથડાતી પાંખો...
અંધકારમાં કશુંય ના દેખાય
માત્ર આ અવાજનાં
ચામાચીડિયાંના ચિત્કારો આ
અવાજના ચિત્કારો
કાળા કકળે-
જમણી બાજુ
ગોળ ગોળ આ
ઊંચેનીચે
નજીક પાસે
ગોળ ગોળ ઘુમરાતા
ચીંખે
અવાજના ચિત્કારો
પીંખે
એક કશું
જે ભેજભર્યું
લાંબું મોટેરું
પગ પાસે પગ થઈ ઊગેલું
પાળેલું પોષેલું મારું
મસમોટું આ પશુ શબ્દનું પીંખે
વીંખે
પીંખે
ચીંખે
અવાજના ચિત્કારો
ચિકવિક
અવાજના ચિત્કારો
કિચવિક
કાન વગરની હોડી મારી
અવાજના અબ્ધિમાં
ઊછળી પડે વળે વળમાં વમળોમાં
ઊંચે છેક અચાનક ચઢતી પિલ્લર
પર મોજાંના
ત્યાંથી
પડે નીચે પટકાઈ અચાનક
ભાન વગરની હોડી મારી
કાન વગરની હોડી મારી
અવાજના ભીષણ જળવળમાં
અવળસવળ કચડાતી ક્યાં ગઈ ?
ક્યાં ગઈ ?
મને મૂકી
બેભાન...

ઊઘડતી આંખ
અને સામે ઊભેલી આંખ
પલકતી
પલકારાની નીચે
બે થડકાર
ગોળ
લીલા કમખામાં
પલકારાની નીચે
બે થડકાર.
લહકતું
ખુલ્લું પોયણપાન
ચહકતું ઝીણું ઝીણું ગાન
તાનમાં લંબાવું હું હાથ
બાથમાં ઝાંઝરનો ઝણકાર પકડવા ચહું
ચહુદિશ
ઝુમ્મર લટકે
પ્રકાશની પાંદડીઓ ફરકે
શીશમહલમાં
પ્રકાશની પાંદડીઓ ફરકે
ગોળ ગોળ
પોયણનાં ઘૂમતાં પાન
પાતળાં
કોની કેડ પરોવું કરમાં ?
દીવાલની કમ્મર લચકાતી
પગ પછડાતા
ઝાંઝરનો ઝણકાર ગયો લોપાઈ
અરે હું ક્યાં છું ?
ગોળ ગોળ ચકરાતી મારી નજર
અરે હું ક્યાં છું ?
ગોળ ગોળ ચકરાતી મારી નજર
અરે હું ક્યાં છું ?
ઘડીક જલમાં
પલમાં થલમાં
જલમાં અતલ વિતલ તલતલમાં
મારી નજર
મને દેખાય નહીં.
આ કશું મને પેખાય નહીં.

ખડબચડી
તૂટેલી
અડતી
દીવાલ કાચ ફૂટેલી
પગમાં કાંક કશું અથડાયું
ને મેં હાથ વડે કંઈ ઝાલ્યું ?
ને એ સળવળ સળવળ ચાલ્યું ?
અરે કંઈ આવીને પછડાયું
ને અડવડિયાં ખાતો
અથડાતો
પડતો
ચડતો દાદર પર
ડાબી બાજુ
કરું જરીક પ્રવેશ
ત્યહીં તો
તીવ્ર ગંધથી
લચી પડેલી
હવા ભેજથી ભરી પડેલી
નિશ્ચલ ઊભી
મને પડી અથડાઈ
અને હું
ઐં’થી તૈં
પડતો અથડાતો
ભેજ મહીં દુર્ગંધ મહીં
અકળાઉં
ચામડી થરકે
છરકે
શ્વાસ કરું શેં બંધ
અંધ હું
હાથ કરું લાંબો તો
નિશ્ચલ
હવા તણી દુર્ગંધ
ચોસલાબંધ
હાથમાં આવે
રે હું શ્વાસ કરું જો
બંધ
ગંધના ખાટા કડવા તૂરા તીખા
કણ મોંમાં
હું પડું નીચે,
ઢીંચણથી ચાલું
ઘસડાતો ઢીંચણથી ચાલું
ઢસડાતો ઢીંચણથી ચાલું
ઢીંચણથી ચાલું
ઘસડાતો ઢીંચણથી ચાલું
ઢસડાતો ઢીંચણથી ચાલું
અથડાતો ઢીંચણથી ચાલું
શ્વાસ શોધતો ચાલું
મારો પ્રાણ શોધતો ચાલું
ખખડે નામ હાથમાં ઠાલું
ચાલું
ઢીંચણથી ઢસડાતો ચાલું
ચાલું છું ઢસડાતો ક્યાં હું ?
શોધું છું ઘસડાતો ક્યાં હું ?
લોથપોથ લથડાતો ક્યાં હું ?
અકળવિકળ અથડાતો ક્યાં હું ?
એક બંગલો
ઝાંખો પાંખો જીર્ણ બંગલો
આંખ વગરનો અંધ બંગલો
યાદ મને છે
ફરતાં પોયણપાન
ચહકતું ઝીણું ઝીણું ગાન
બંગલો ખડો રહ્યો.
મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો.
રોધી મારો શ્વાસ
અરે અવરોધી મારો નાશ બંગલો ખડો રહ્યો.
શોધું છું ઘસડાતો મારો હાથ
હાથને રોકી રાખી
ખુલ્લી એક હથેલી વચ્ચે
ઝાંખો પાંખો જીર્ણ બંગલો
ખડો રહ્યો.
શાને માટે ખડો રહ્યો ?
કોના માટે ખડો રહ્યો ?
મારા નામને દરવાજે
આ હું ખડો રહ્યો
ભીતરના ભોગળ બંધ
અંધ હું ખડો રહ્યો
કલબલતો કલબતો
પલપલ ખડો રહ્યો.
મારા રામને દરવાજે
હરદમ ખડો રહ્યો
આલીશાનને દરવાજે
નરદમ ખડો રહ્યો
ઢળતી સાંજને દરવાજે
આકુલ ખડો રહ્યો
રમતી રાતને દરવાજે
વ્યાકુલ ખડો રહ્યો.
આકુલ વ્યાકુલ ખડો રહ્યો.