भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

સિકંદરના ચાર ફરમાન / અનામી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

(૧)
મારા મરણ વખતે બધી
મિલકત અહીં પથરાવજો
મારી નનામી સાથ
કબ્રસ્તાનમાં પણ લાવજો
જે બાહુબળથી મેળવ્યું
એ ભોગવી પણ ના શક્યો
અબજોની દોલત આપતાં
પણ એ સિકંદર ના બચ્યો.
(૨)
મારું મરણ થાતાં બધા
હથિયાર લશ્કર લાવજો
પાછળ રહે મૃતદેહ
આગળ સર્વને દોડાવજો
આખા જગતને જીતનારું
સૈન્ય પણ રડતું રહ્યું
વિકરાળ દળ ભૂપાળને
નહિ કાળથી છોડાવી શક્યું.
(૩)
મારા બધાં વૈદો હકીમોને
અહીં બોલાવજો
મારો જનાજો એ જ વૈદોને
ખભે ઉપડાવજો
કહો દર્દીઓના દર્દને
દફનાવનારું કોણ છે ?
દોરી તૂટી આયુષ્યની તો
સાંધનારું કોણ છે ?
(૪)
ખુલ્લી હથેળી રાખીને
જીવો જગતમાં આવતાં
ને ખાલી હાથે સૌ જનો
આ જગતથી ચાલ્યા જતાં
યૌવન ફના, જીવન ફના
જર ને જવાહર છે ફના
પરલોકમાં પરિણામ ફળશે
પુણ્યનાં ને પાપનાં.