भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
સ્નેહશંકા / કલાપી
Kavita Kosh से
ઘણું તાવ્યું-ઘણું ટપક્યું- બિચારું મીણનું હૈડું;
દ્રવ્યા કરશે હજી એ તો બિચારું પ્રેમનું પ્યાલું!
ન થા ન્યારીઃન થા ઘેલીઃન થા વ્હેમીઃન થા મેલી!
કરી મ્હારું હ્રદય તારું હવે શંકા પ્રિયે, શાની?
કદી દિલને ન દે દિલ તું દિલ તો ન લે તે તું;
હ્રદયનું સત્વ પીધું તે ;હ્રદય હીણૉ કરે તો શું?
કહે ને પ્રાણ દિલમાં ક્યાં રહી તુજને હજી શંકા ?
કાપી દઊં તે નાખી હું ; ન છે તેની મને પરવા!
કાંટો જે તને લાગે મને ભાલો તે ભોંકાયે;
હ્રદયચીરે રૂધિરે રાતું વહે છે તે તપાસી લે.
હૈયું હનુમાનનું ચીર્યું, નિહાળી રામની મૂર્તિ;
હ્રદય મારું અરીસો છે ઉઘાડી તું ભલે જો તે.