भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

હરિ! આવો ને / ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ ધરતીએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને.
આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સૌભાગ્ય; હવે તો હરિ! આવો ને.

આ ચન્દરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાનાં ફૂલ, હવે તો હરિ! આવો ને.
પ્રભુ! પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવો ને.

આ જળમાં ઊઘડે પોયણાં, હરિ! આવો ને;
એવાં ઊઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને.
આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો, જીવનમણિ માવ! હવે તો હરિ! આવો ને.

આ ચન્દની ભરી છે તલાવડી, હરિ! આવો ને;
ફુલડીયે બાંધી પાજ; હવે તો હરિ! આવો ને.
આ આસોપાલવને છાંયડે હરિ! આવો ને;
મનમહેરામણ મહારાજ! હવે તો હરિ! આવો ને.

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ આવો ને.
મ્હારા કાળજ કેરી કુંજમાં હરિ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ હવે તો હરિ! આવો ને.