Last modified on 21 जुलाई 2016, at 02:41

હાથમાં કરતાલ છે ને કંઠમાં કેદાર છે / જાતુષ જોશી

હાથમાં કરતાલ છે ને કંઠમાં કેદાર છે,
એક બસ તું, એક બસ તું, એક તું આધાર છે.

વાત એ ધીમે કહું કે સાદ હું પાડું તને ?
આમ તું સાવે નિકટ ને આમ પેલે પાર છે.

મોરપીંછાં જેમ આ હોવાપણું પણ ફરફરે,
આગમન તારું થશે એનો જ આ અણસાર છે.

કૈં યુગોની શૂન્યતા કેવી સભરતા થઈ ગઈ !
જ્યાં નિહાળું ત્યાં મળે તું, ‘તું’ જ પારાવાર છે.

આ તળેટી એમ કૈં અમથી સતત ભીંજે નહીં,
ક્યાંક નરસિંહની હલક છે, ક્યાંક એ મલ્હાર છે.