भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
હું જાઉં છું ! હું જાઉં છું ! / કલાપી
Kavita Kosh से
હું જાઉં છું ! હું જાઉં છું ! ત્યાં આવશો કોઈ નહિ !
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહિ !
ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બંધથી,
દિલ જે ઉઠ્યું રોકાય ના ! એ વાત છોડો કેદની !
સૌ ખુશ રહો જેમાં ખુશી ! હું જ્યાં ખુશી તે હું કરું !
‘શું એ હતું ? શું આ થયું ?’ એ પૂછશો કોઈ નહિ !
પેદા કર્યો'તો ઇશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું ;
એ ભૂંસવા જો છે ખુશી તો પૂછવું એ કૈં નથી.
આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહિ.
મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો !
હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહિ !
શું પૂછવું ? શું બોલવું ? ખુશ છો અને રહેજો ખુશી !
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહિ.