भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
હૈયાની વાત / મકરંદ વજેશંકર દવે
Kavita Kosh से
કોકના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી-ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફેરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને
મોરલો કોઈની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા!
રૂડા-રૂપાળા સઢ કોકના શું કામના?
પોતાને તુંબડે તરીએ.
કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા :
જીવતી ને જાગતી જીવની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા!
જીવતાં ન આપણે મરીએ.
કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા,
ઊછી-ઉધારાં ન કરીએ.