"ઉષાનું ગાન / અરદેશર ફરામજી ખબરદાર" के अवतरणों में अंतर
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=અરદેશર ફરામજી ખબરદાર |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
16:24, 17 मई 2015 के समय का अवतरण
કે આભમાં ચાલે ઊંડી ગોઠડી રે,
કે હોલાતા રજનીના દીપ:
કે રસિયાં! જોજો શુભની વાટડી રે;
કે ધીમે ઊઘડે બારી પૂર્વની રે,
ને આવું હસતી સર્વ સમીપ!
કે રસિયાં જોજો શુભની વાટડી રે!
કે રવિરથની રજ આવે ઊતરી રે,
કે ઊભી ધરણી લઈ ફૂલછાબ:
કે રસિયાં! જોજો શુભની વાટડી રે;
કે ગુલપાંદડીઓ ઊડે આભમાં રે,
કે ભૂ પર ખરતાં આભગુલાબ?
કે રસિયાં! જોજો શુભની વાટડી રે!
કે વાદળ વાદળ કૂદતી ઊતરું રે,
કે રજથી રાતાચોળ કપોલ:
કે રસિયાં! જોજો શુભની વાટડી રે;
કે દૂરથી જોતાં ઓળા ભાગતા રે,
કે આવ્યો રંગતણો વંટોળ!
કે રસિયાં! જોજો શુભની વાટડી રે!
કે વૃક્ષ હીંચોળી નાખું સ્વર્ગનું રે,
કે જગ પર વેરું તેના મોર:
કે રસિયાં! જોજો શુભની વાટડી રે;
કે વહાલાં! લૂંટજો એ આનંદને રે,
કે આશા મૉરે આઠે પહોર!
કે રસિયાં! જોજો શુભની વાટડી રે!
કે આભે પાડું પ્રતિબિંબ સ્વપ્નનાં રે,
કે તેશું રમતાં રહો જન સર્વ:
કે રસિયાં! જોજો શુભની વાટડી રે;
કે આવો મારા કુંકુમ મહોલમાં રે,
કે દિન દિન ઊઘડે મુજ નવપર્વ!
કે રસિયાં! જોજો શુભની વાટડી રે!
કે રવિરથ આવી થોભે બારણે રે,
કે આંગણે ઊતરશે નભદેવ:
કે રસિયાં! જોજો શુભની વાટડી રે!
કે દેવચરણમાં આશા સૌ ફળો રે-
કે મારે તો જાવું તતખેવ!
કે રસિયાં! જોજો મારી વાટડી રે!