भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

દેવયાની / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:26, 26 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ |अनु...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

"રજનીથી ડરું, તોયે આજે એ લેખતી નથી;
ક્યાં છો ? કચ ! સખે ! ક્યાં છો ? કેમ હું દેખતી નથી ?"

લંબાવેલા સ્વર મધુર આ વ્યોમ માંહે ફરે છે,
પુષ્પે પુષ્પે વિટપ વિટપે નૂતન શ્રી ભરે છે;
નાનાં નાનાં વપુ ધરી શકે શોધતા એ દિશામાં,
રેલંતા એ રતિ વિવિધ શી કૈં શશીની નિશામાં !

દિવ્ય પ્રભા નિરખી ઉત્સુક જે થયેલી
દેખાડવા સુહ્રદને પ્રણયાદ્રૅ ઘેલી;
તે આ સ્વભાવ સરલા કરી દોડ નાની,
બોલાવતી ધસતી બાલક દેવયાની.

તરે જે શોભાથી વન વન વિષે બાલ હરિણી,
સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી;
કરે એવું જ્યોત્સ્નાભ્રમણ, ભ્રમણે જ્યાં અટકતો
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો !

તરુઓ અભિનંદે આ અંગો લલિતને નમી;
સમગ્ર નભ વર્ષે છે, આહા ! ઉપરથી અમી !

થંડો મીઠો કુમુદવનનો માતરિશ્વા વહે છે,
ક્રીડંતો જ્યાં તરલ અલકશ્રેણિ સાથે રહે છે;
બાલાને એ વ્યજન કરતો દાખવે આભિજાત્ય,
પ્રેરે નૃત્યે પદ રસિકનો અગ્રણી દાક્ષિણાત્ય !

જેવી તરંગ શિખરે જલદેવી નાચે,
વક્ષઃસ્થલે શિશુ સમી ગણી સિંધુ રાચે;
અજ્ઞાત તેવું રમણીય નિહાલી લાસ્ય,
પામે પ્રમોદ વસુધા ઉભરાય હાસ્ય !

હવે તો મેદાને વરતનુ દીસે છે વિચરતીઃ
વિલોકે સામે, ત્યાં ત્વરિત ચરણોની ગતિ થતી;
રહ્યાં બંને બાજુ તરુવર, નહીં કાંઈ વચમાં
વસેલું આવીને પણ સકલ સૌંદર્ય કચમાં !

રોહિણીપતિના ભાલે રશ્મિઓ રમતા હતાઃ
તુહિનાચલના જાણે શૃંગમાં ભમતા હતા !

શોભિતા શા સહુ અવયવો, સ્નિગ્ધ ગોરા, ભરેલા,
યોગાભ્યાસ, પ્રબલ થકી શા યોગ્યતામાં ઠરેલાઃ
ગાલે, નેત્રે, સકલ વદને, દીપ્તિ સર્વત્ર ભાસે,
જ્યોત્સ્નાને એ વિશદ કરતો સ્વચ્છ આત્મીય હાસે !

આકાશમંડલ ભણી ર્દગ એ નથી જ,
વિશ્રામ આજ નથી ભૌતિક કોઈ ચીજ;
નેત્રો નિમીલિત થતાં હ્રદયે તણાય,
અધ્યાત્મ ચિંતન નિમગ્ન થયો જણાય !

હવે તો આ આવી નિકટ ગુરુકન્યા કચ તણી,
અવસ્થાને જાણી નહિં, અગર જાણી નહિં ગણી,
"નિહાલે શું ? હા ! તો સફળ સમજું આગમનને !
નહીં: નીચી દૃષ્ટિઃ અરર ! અવમાને ગગનને !"

કર સાહી કહે મીઠું : "વ્યોમસાગરને તટે,
મુખ તો વિધુલક્ષ્મીનું જો, સખે ! આમ ના ઘટે !"

પાડી નાખે તનુ પર પડ્યું બિંદુ જે હૈમ આવી,
ઝાડીમાંથી મૃગપતિ જરા યાળ જેવો હલાવી,
કીધો નીચે સુતનુ કરને એ પ્રમાણે કચે જ્યાં,
ઝાંખા જેવો વિધુ પણ થયો દૈન્ય દેખી નભે ત્યાં !

સાશંક ભીરુ નિરખી રહી આસપાસ,
ન્હાનું દિસે મુખ અનાદરથી ઉદાસ;
ધીમે હવે કચ ભણી જ્યમ એ વળે છે,
તેવું જ હા ! ઊતરતી દગને મળે છે  !

જરા જોયું, ત્યાં અતિશય દીસે છે પ્રસરતી,
કુમારીને લજ્જા, નયન પણ નીચાં ધરતી;
રહી વેળા થોડી કચ પણ હવે આમ ઉચરે,
હતું ધીમું તોયે, પરિચિત છતાં એ પણ ડરે !

"અવસ્થાભેદનું, દેવી ! તને ભાન દીસે નહીં:
મુગ્ધ ! શું સમજે છે તું બાલભાવ બધા મહીં ?"

રે રે ! એને શ્રવણ ન કદી વાક્ય એવું પડેલું,
હૈયું એનું મૃદુલ વિરલું ગર્ભમાંથી ઘડેલું;
આંસુ આવ્યાં નહિં, પણ બની બાલિકા છેક ઝાંખી,
ઊભી યત્ને, વિવશ ચરણે, મર્મ નિઃશ્વાસ નાંખી !

આ તે ઉભી કુમુદિની સરખી નમેલી,
જે ચંદ્રની વિકૃતિને ન કદી ખમેલી;
લાવણ્યને વિવશ જોઈ નહીં શકે જે,
ચિત્તે બહુ વખત રોષ ક્યહાં ટકે તે?

સ્વસા જેવી, જેને દિલગીર કરેલી નહિં કદા,
રહી સાથે જેની શિશુ સમ બનેલો પણ સદા;
કરી તેની આવી સ્થિતિ નિજ કઠોર પ્રવચને,
થયો પશ્ચાતાપ પ્રબલ મનમાં તુર્ત કચને.

શબ્દ સાંત્વનને માટે શોધે, પણ મળે નહીં;
વિચારે બહુધા; તોયે કંઈ ચેન વળે નહીં !

રોતી હોશે અવનત મુખે એમ શંકા કરીને,
ઊંચી લીધી તનુ કટિ કને બાહુ સાથે ધરીને;
"બાલે ! શું છે વદ નભ વિષે, સજ્જ છું સર્વ જોવા,
તારી સાથે, અધિક રડશે તો પાછી સાથ રોવા !"

રોકેલ અશ્રુદલ જે હ્રદયે જડીને,
ભીંજે કપોલ કચના હમણાં પડી તે;
છાયું હતું ઘનપટે મુખ ખેદનાએ,
ત્યાં એ સુહાસ્ય વિધુના સમ અલ્પ થાય !

ધરી હૈયા સાથે સદય મૃદુ આલિંગન કર્યું
વહીને ઓષ્ઠેથી મધુર વદને ચુંબન ઠર્યું;
કરી નીચી હાવાં સજલ નયને એ નિરખતો,
છવાયેલું હર્ષે વદન દિસતાં હર્ષિત થતો.

સ્ફુરે લાવણ્યનું શું આ પરિવર્તન અંગમાં:
રમતી રમણી ભાસે દિવ્ય નૂતન રંગમાં !

શોભે એવી શુચિ નિસરતી માનસેથી મરાલી,
વર્ષા કેરા વિમલ જલમાં નાચતી વા મૃણાલી;
ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ,
બાલા તેવી બની ગઈ, ખરે અદ્દભુત સ્પર્શથી જ !

વૃતાંત્ત પૂર્વ સઘળું વિસરી ગઈ એ,
દ્રષ્ટવ્યમાં દ્વિગુણબદ્ધ હવે થઈ એ,
સ્નેહોર્મિથી સદયની થઈ આંખ ભીની,
જોતો રહ્યો સરલતા કચ સુંદરીની !

તરે જે શોભાથી વન વન વિષે બાલહરિણી,
સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી;
કરે એવું જ્યોત્સ્નાભ્રમણ, ભ્રમણે ત્યાં અટકતો
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે, ઝબકતો !

વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌંદર્યમાં વહેઃ
વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે !