भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ઉનાળે રાજસ્થાન / હરિશ્ચન્દ્ર જોશી
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:24, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=હરિશ્ચન્દ્ર જોશી |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)
અઢળક ઉનાળા લઈને સાંઢણીઓ ઝૂકી શહેર રે,
માપ માપની તરસ ઉતારી વ્હેંચે ઘેરઘેર રે.
તરસબ્હાવરાં ટળવળતાં સૌ વીરડા આંખે ગાળે રે,
ખૂણામાં ઝળઝળિયું ડળકી ઊડી જતું વરાળે રે.
સંબંધોની વાવ, કૂવાઓ લાગણીઓનાં સૂક્યાં રે,
જીવતરનાં ટૂંકાં સિંચણિયાં, હાથ મૂળથી ખૂટ્યાં રે.
મોરપિચ્છ ઓઢીને જ્યાં સૌ ચોમાસાંને રોવે રે,
કાગળિયા પર વાદળ ચીતરી વળ દઈને નિચોવે રે.
સૂરજના ભઠ્ઠે શેકાતી ઇચ્છાઓની બાટી રે,
કાળી ભમ્મર દાઝ પડે ને જીવની બગડે ધાટી રે.
સપનાં મેલાંઘાણ સુકાતાં મૃગજળ ઘાટે ઘાટે રે,
મનનું આછું પોત સમયના હાથે ફીટે-ફાટે રે.
ડમરાતી ક્ષણ કણકણ લઈને રણને રોપે ફળિયે રે,
રેતકળણમાં ઊતરે માણસ મનસૂબો લઈ તળિયે રે.